અંગદનો પગ' : એક પુસ્તક નહીં, પોતાના શિક્ષણપ્રવાસ તરફની પાછી સફર
ગુજરાતી સાહિત્ય આમ પણ મારું પ્રિય. અંગદનો પગનું નામ ઘણું સાંભળેલું, પણ વાંચવાનો સંયોગ ક્યારેય બન્યો નહોતો. ખૂબ જ આકસ્મિક રીતે પુસ્તક હાથમાં આવ્યું. શીર્ષક વાંચતાં જ રામાયણનો અંગદ અને તેનો અડગ પગ યાદ આવી ગયો. શરૂઆતનો થોડોક ભાગ મેં અને મારા એક મિત્રે સાથે મળીને વાચિક વાચનથી માણ્યો, પછી તે અધૂરું રહી ગયું. જ્યારે ફરી વાંચવાનું શરૂ કર્યું, ત્યારે ખબર નહોતી કે આ પુસ્તક મને મારી જ શાળાના દિવસોમાં પાછી લઈ જશે.
હું કિશોરના પાત્ર થકી આ નવલિકામાં પ્રવેશી અને તેની સાથે જ બહાર નીકળી. વચ્ચે કોઈ ભવ્ય ઘટના નથી, કોઈ નાટકીય વળાંક નથી, કોઈ અલંકારોથી ભરચક ભાષા નથી. રોજિંદા જીવનની, આપણી નજર સામે બનતી ઘટનાઓમાંથી જ લેખકે આખું વિશ્વ ઊભું કર્યું છે. કદાચ એટલા માટે જ આ પુસ્તક આટલું સાચું લાગે છે.
વાંચતાં વાંચતાં હું સતત મારી શાળાના દિવસોમાં ડોકિયું કરતી રહી. મહાલક્ષ્મી અને દક્ષિણામૂર્તિ—બંને શાળાઓના પ્રસંગો એક પછી એક આંખો સામે વહેતા રહ્યા. એક પ્રશ્ન પણ સતત મનમાં આવતો રહ્યો—શું મને પણ કિરણ દવે અને જ્યોતીન્દ્ર શાહ જેવા શિક્ષકો મળ્યા હતા?
જ્યારે મારા શિક્ષકોની યાદી યાદ કરું છું ત્યારે એક નહીં, અનેક ચહેરાઓ સામે આવી જાય છે. મહાલક્ષ્મીનું વાતાવરણ મારા વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. નેતૃત્વ, સંપ, શિસ્ત, મહત્ત્વાકાંક્ષા, ધ્યેય તરફ સતત પ્રયત્ન કરવાની વૃત્તિ—આ બધું મને ત્યાંથી મળ્યું. આ ઋણમાંથી હું ક્યારેય બહાર આવી શકીશ નહીં.
કિશોર સદભાગી હતો કે તેને જ્યોતીન્દ્ર શાહ જેવા શિક્ષકનો લાંબો સહવાસ મળ્યો. મારા જીવનમાં પણ એવા શિક્ષકો મળ્યા, પરંતુ દરેક સાથેનો સમય સરખો ન રહ્યો. અગિયારમું ધોરણ દક્ષિણામૂર્તિમાં કર્યું. ત્યાં ગીતા મૅમ મળ્યાં. કદાચ તેઓ મારા માટે શાહસાહેબ જેવા જ હતા—માર્ગદર્શન આપનાર, વિશ્વાસ આપનાર અને પડખે ઊભા રહેનાર.
પછી કોલેજમાં પ્રવેશ થયો. નવા શિક્ષકો મળ્યા. દરેકે કંઈક ને કંઈક આપ્યું. પરંતુ આ સમય દરમિયાન ધીમે ધીમે શિક્ષણજગતનું બીજું રૂપ પણ દેખાવા લાગ્યું—રાજકારણ, જૂથબંધી અને આંતરિક ખેંચતાણ.
અનુસ્નાતક ભવનમાં પ્રવેશ્યા પછી સાચા અર્થમાં મને મારા 'શાહસાહેબ' મળ્યા—ડૉ. દિલીપ બારડ. તેમનું પ્રોફેશનલિઝમ, વિષય પરની અસાધારણ પકડ, સતત પ્રશ્નો પૂછવા પ્રેરતી તેમની પદ્ધતિ અને "I know nothing"ના ભાવ સાથે સતત શીખતા રહેવાની તેમની વૃત્તિ આજે પણ પ્રેરણા આપે છે. તેઓએ શીખવ્યું કે જ્ઞાનનો અર્થ જવાબો આપી દેવામાં નથી, પરંતુ જિજ્ઞાસાને જીવંત રાખવામાં છે. આજે પણ કોઈ કહે કે "તમે દિલીપ સાહેબના વિદ્યાર્થી છો", તો તેની સાથે જવાબદારીનો અહેસાસ પણ જોડાઈ જાય છે.
પછી જ્યારે મને પોતાને શિક્ષક બનવાનો ટૂંકો અનુભવ મળ્યો, ત્યારે આ નવલિકા વધુ ઊંડે સુધી સમજાઈ. વર્ગખંડમાં ઊભા રહીને સતત પોતાની જાતને પૂછતી હતી—હું મારી ભૂમિકા યોગ્ય રીતે ભજવી રહી છું ને? એક શિક્ષક માત્ર વિષય નથી ભણાવતો; તે અજાણતાં જ કેટલાંય વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો ભાગ બની જાય છે.
અંગદનો પગ માત્ર શિક્ષકની વાત નથી કરતું. તે ટ્યુશનપ્રથાનો વિરોધ કરે છે, શાળાઓમાં તેના કારણે ઊભા થતા દબાણની વાત કરે છે, ટ્રસ્ટીઓની મિલીભગત પર કટાક્ષ કરે છે અને શિક્ષણને ધંધામાં ફેરવી નાખતી માનસિકતાને નિર્ભયતાથી ઉજાગર કરે છે. સૌથી વધારે ગમેલી વાત એ હતી કે લેખક કોઈ સૂત્રોચ્ચાર કરતો નથી; પરિસ્થિતિઓ જ બધું કહી જાય છે.
"સિંહની ખાલમાં ગધેડું" અને "પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂંસી નાખવી" જેવા પ્રયોગો માત્ર વાક્યો નથી, આપણા સમાજના કડવા સત્ય છે. પ્રતિભાશાળી વ્યક્તિના 'અંગદના પગ'ને હટાવવાનો પ્રયાસ હંમેશા થતો રહે છે, પરંતુ સાચી પ્રતિભા અંતે પોતાની જગ્યા બનાવી જ લે છે.
આ પુસ્તક વાંચીને મને માત્ર એક સારી નવલિકા વાંચ્યાનો આનંદ નથી થયો; મારા પોતાના શિક્ષણપ્રવાસને ફરી એક વાર જીવ્યાનો આનંદ થયો. કદાચ એ જ કોઈ પણ સારી કૃતિની સૌથી મોટી સફળતા છે—તે આપણને પાત્રોની દુનિયામાં લઈ જતી નથી, આપણને આપણા પોતાના જીવનમાં પાછા લઈ આવે છે.
હરેશ ધોળકિયાનું આ પુસ્તક મારા માટે લાંબા સમય સુધી યાદ રહેશે. ખાસ કરીને દરેક શિક્ષક, શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિ અને શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓએ એક વાર તો જરૂર વાંચવું જોઈએ.


No comments:
Post a Comment